અમે સેલમાં વેચાયા
અમે સેલમાં વેચાયા રે ભાઈ, અમે સેલમાં વેચાયા,
ડિગ્રીનાં પોટલાં લઈને ફરતા, પાંચ હજારે ખરીદાયા!
બાપે વેચી ભેંસ ને ખેતર, ભણવા મોકલ્યા શહેરે,
ત્રણ ત્રણ ડિગ્રી, ચાર સર્ટિફિકેટ, ફાઇલ જાડી ઠેરે ઠેરે;
ઇન્ટરવ્યૂમાં પૂછ્યું: ‘ચા બનાવતાં આવડે?’ — અમે મૂંઝાયા…
અમે સેલમાં વેચાયા…
સાહેબે કીધું: ‘અનુભવ લાવો, પછી નોકરી આપું,’
અમે કીધું: ‘નોકરી આપો, તો અનુભવ ક્યાંથી માપું?’
ઈંડું પહેલું કે મરઘી પહેલી, એમાં વરસો ખવાયા…
અમે સેલમાં વેચાયા…
પરાગ કહે: આ બજાર મોટું, ભાવ તો સૌના પાડે,
ટામેટાં મોંઘાં, ડુંગળી મોંઘી, માણસ સસ્તો ભાડે;
‘એક પર એક ફ્રી’ના પાટિયે અમે આખેઆખા ઝડપાયા…
અમે સેલમાં વેચાયા…
– પરાગ રતનપરા