અમર છે
દેહ પણ ના, શ્વાસ પણ ના, એક માટી અમર છે,
તાજ ગ્યા, તખ્તો ગયા પણ, સંત-વાણી અમર છે.
દ્વારિકા ડૂબી સમંદરમાં, ગયા યાદવ બધા,
ગોકુળે ગુંજે હજી, એ શ્યામ-બંસી અમર છે.
ઓટલો તૂટ્યો, ફકીરો ક્યાંય દેખાતા નથી,
રાખ ઊડે છે હજી, એ અલખ-ધૂણી અમર છે.
વર્ષ વીત્યાં કેટલાં, તસવીર પણ ઝાંખી પડી,
કાનમાં ગુંજે હજી, એ માત-લોરી અમર છે.
પાંખડી ખરશે, પરાગે, બાગ પણ ઉજ્જડ થશે,
તોય ગાશે લોક જે, એ પ્રેમ-સાખી અમર છે.
– પરાગ રતનપરા
#ગઝલ #અમરત્વ #નશ્વરતા #સંતવાણી #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Immortality #Transience #SaintsWords #EternalLove #ParagRatanpara