અમાસ
પૂનમને
સૌ ચાહે છે —
કવિઓ, પ્રેમીઓ,
દરિયો પણ.
અમાસને
કોઈ ઉજવતું નથી.
પણ અમાસે જ
આભ
પોતાના સઘળા તારા
બહાર કાઢે છે,
જેમ ગરીબ મા
મહેમાન આવે ત્યારે
પેટીમાંથી
બધાં જ વાસણ.
અમાસે જ
ગામનો ખેડૂત
દીવો લઈને
ખેતરે જાય છે,
ને આગિયા
એની સાથે ચાલે છે.
ચાંદો ન હોય ત્યારે જ
સમજાય છે
કે
અંધારું પણ
કેટલું ઝળહળ થઈ શકે.
– પરાગ રતનપરા