અજવાસના ઘોડા
હૉસ્પિટલના
ચોથા માળે
દાદીની અડધી ખુલ્લી આંખોમાં
હવે
કોઈ ઘોડા દોડતા નથી.
એક જમાનામાં
એ આંખો
આખા ગામની ખબર રાખતી —
કોણ મોડું આવ્યું,
કોની ભેંસ વિયાઈ,
કોની દીકરી રડતી ગઈ.
હવે
એ છત પરનો પંખો
ગણ્યા કરે છે.
પણ ગઈ કાલે
મેં કાનમાં કહ્યું:
‘દાદી, તમારી પરપૌત્રી આવી છે.’
ને એ અડધી ખુલ્લી આંખોમાં
એક ક્ષણ માટે
કોઈ સફેદ ઘોડો
હણહણ્યો,
દોડ્યો,
ને ગામના પાદર સુધી જઈ
પાછો આવી ગયો.
ડૉક્ટરે કહ્યું:
‘રિફ્લેક્સ છે.’
હું જાણું છું
એ શું હતું.
– પરાગ રતનપરા