← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અજાણ્યું સ્ટેશન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અજાણ્યા શહેરના
સ્ટેશન પર
ઊતર્યો.

હજારો ચહેરા,
હજારો ઉતાવળ,
હજારો મોબાઈલ.
કોઈ મને ઓળખતું નથી,
ને મને એનો
અજબ હાશકારો છે.

અહીં હું
કોઈનો દીકરો નથી,
કોઈનો બાપ નથી,
કોઈનો સાહેબ નથી.

ચાની લારીવાળો પૂછે છે:
‘કટિંગ?’
હું હા પાડું છું.

ને એ ક્ષણે
વર્ષો પછી
હું ફક્ત
એક માણસ છું,
જેને
ચા પીવી છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખને ખમ્માઆગલો લેખ →જતું કરો