← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અગરબત્તી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રસ્તાને કાંઠે
પીપળા નીચે
એક નાનકડી દેરી છે.

રોજ સવારે
ચાવાળો છોકરો
એમાં એક અગરબત્તી ખોસી જાય છે.

પછી આખો દિવસ
એ ધીમે ધીમે બળે છે —
રિક્ષાના હૉર્ન વચ્ચે,
બસના ધુમાડા વચ્ચે,
ઉતાવળા પગ વચ્ચે.

કોઈ ઊભું રહેતું નથી.
કોઈ નમતું નથી.
છતાં જે પસાર થાય છે
એના શ્વાસમાં
એક ક્ષણ માટે
ચંદન ભળી જાય છે.

સાંજે
દેરીમાં બચે છે
થોડી રાખ —
ને રસ્તા પર
થોડા માણસો,
જેમને ખબર જ નથી
કે આજે એમને
કોઈએ પ્રાર્થનામાં યાદ કર્યા હતા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમસ્તીમાંઆગલો લેખ →ઉપરથી