← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અધૂરું ઘર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રામજી કડિયો છે.

ત્રીસ વરસમાં
એણે ત્રણસો ઘર ચણ્યાં —
ઈંટ પર ઈંટ,
સિમેન્ટ, રેતી, પરસેવો.

એનું પોતાનું ઘર
ગામને છેડે
અડધું ઊભું છે —
ચાર ભીંત, પણ છાપરું નથી.
દર ચોમાસે
‘આવતે વરસે’ કહીને
એ પતરાં ઢાંકી દે છે.

ગઈ કાલે
એની દીકરીની નોટબુક જોઈ.
ચિત્રકામના પાને
એણે એક ઘર દોર્યું છે —
લાલ છાપરું,
ધુમાડો નીકળતી ચીમની,
બારીમાં ફૂલ,
ને નીચે લખ્યું છે:
‘મારા પપ્પાએ બાંધેલું ઘર.’

રામજીએ પહેલી વાર જાણ્યું —
એનું એક ઘર
પૂરું થઈ ગયું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસંતની કુટિરઆગલો લેખ →થઈ જા