← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અધૂરી વાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુ સાથે વાત કરવી’તી, રહી ગઈ અધવચ્ચે,
હોઠ સુધી આવીને અટકી, મૌન અને શબ્દોની વચ્ચે.

નાનો હતો ત્યારે બાપુ બહુ કડક, બહુ ગુસ્સાવાળા,
મોટો થયો ત્યારે મારે સમય નહોતો, હતાં તાળાં;
બંને બારણે ઊભા રહ્યા, ઉંબર એક હતો વચ્ચે…
બાપુ સાથે વાત કરવી’તી…

હૉસ્પિટલના ખાટલે બાપુ મારો હાથ દબાવે,
આંખ કહે છે કંઈક, પણ હોઠે શબ્દ ન આવે;
ઘડિયાળનો કાંટો ટકટક ઝૂલે બે શ્વાસની વચ્ચે…
બાપુ સાથે વાત કરવી’તી…

પરાગ કહે: હવે બાપુના ફોટા સાથે બોલું,
રોજ સવારે એ અધૂરી વાતનું પાનું ખોલું;
જવાબ એનો મળતો મને, મારા દીકરાની આંખ વચ્ચે…
બાપુ સાથે વાત કરવી’તી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહલેસાંઆગલો લેખ →દરિયાને ઉપાલંભ