અદલાબદલી
પિયરનું આંગણ છોડી આવી, લાવી સાસરનું દ્વાર,
અદલાબદલી કરી મેં તો, સાહેલી, આખો સંસાર.
બાપુની અટક ઉતારી, પહેરી નવી એક ઓળખ,
માનું રસોડું ભૂલી, શીખી સાસુમાની પરખ;
પગલાં પાડ્યાં કંકુવાળાં, ઊંબરે મૂક્યો ભાર…
અદલાબદલી કરી મેં તો…
બેનપણી સંગ ગાયેલાં ગીત પોટલીમાં બાંધ્યાં,
આંસુ સાથે હસવું શીખી, સપનાં નવાં સાંધ્યાં;
પિયુજીએ પણ દીધો બદલામાં હૈયાનો હાર…
અદલાબદલી કરી મેં તો…
પરાગ કહે: આ અદલાબદલી સૌથી મોટો વેપાર,
દીકરી આપી, દીકરી પામ્યા, બેઉ ઘરે ઉજવાય તહેવાર;
એક દીવો બે ઘરમાં ઝળકે, એ જ નારીનો સાર…
અદલાબદલી કરી મેં તો…
– પરાગ રતનપરા