અડધો ગ્લાસ
વિજ્ઞાનના પુસ્તકમાં
પાણી એટલે
હાઇડ્રોજન ને ઑક્સિજન.
દુકાનમાં
પાણી એટલે
વીસ રૂપિયાની બોટલ.
પણ અમારા ઘરમાં
પાણી એટલે
ઉનાળાની બપોરે
ખેતરેથી પાછા ફરેલા બાપુ,
ને માએ ધરેલો
પિત્તળનો એક ગ્લાસ —
કંઈ બોલ્યા વગર.
બાપુ
અડધું પાણી પીતા,
અડધું માના હાથમાં પાછું આપતા.
આખી જિંદગી
એ બેએ
એક જ ગ્લાસ વહેંચ્યો,
ને કદી
‘તરસ લાગી છે’
એવું બોલવું પડ્યું નહીં.
– પરાગ રતનપરા