અડધી રોટલી
અમારી પ્રેમકથામાં
કોઈ કાગળ નથી,
કોઈ ગુલાબ નથી,
કોઈ ચાંદની રાત નથી.
પચાસ વર્ષ પહેલાં
લગ્નની પહેલી રાતે
ઘરમાં
એક જ રોટલી બચી હતી.
એમણે
બે ભાગ કર્યા —
મોટો ભાગ મને આપ્યો.
આજે
દાંત નથી,
દીકરાના ઘરે
ફ્રિજ ભરેલું છે,
થાળીમાં ત્રણ શાક છે.
તોય રોજ સાંજે
એ ધ્રૂજતા હાથે
એક રોટલી તોડે છે,
ને મોટો ભાગ
મારી થાળીમાં મૂકે છે.
લોકો પૂછે છે:
‘તમારી પ્રેમકથા શી?’
હું કહું છું:
‘અડધી રોટલી.’
– પરાગ રતનપરા