← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અબોલા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રિસાયા તમે, તો રિસાયું આ ઘર, રિસાઈ ગઈ ઓસરી,
ચૂલો ય ચૂપ, ને ઝાલર ચૂપ, ને ચૂપ થઈ વાંસળી.

સવારે ચાનો કપ મૂક્યો, તમે ન જોયું સામે,
છાપું ખોલી બેઠા રહ્યા, જાણે હું કોઈ ન કામે;
ચાને ઠંડી થાતાં જોઈ, હું તો અંદરથી ઓગળી…
રિસાયા તમે…

બપોરે મેં થાળ સજાવ્યો, ભાવતી કઢી ને ભાત,
તમે ખાધું ચુપચાપ, પણ ના કીધી એકે વાત;
કઢીમાં મીઠું ઓછું પડ્યું કે આંસુ? કોણ જાણે વળી…
રિસાયા તમે…

પરાગ કહે: સાંજે દીવે જ્યાં બેઉની આંખ મળી,
હસવું આવ્યું, રીસ ઊડી ગઈ, જેમ ઊડે પાંખ-કળી;
અબોલા તો ઝાકળ જેવા, તડકો પડે ત્યાં ઢળી…
રિસાયા તમે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખછેલ્લી બસઆગલો લેખ →ઑનલાઇન છે, પણ…