← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અભણ માનો કાગળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પોસ્ટઓફિસના બાંકડે
એક ડોશી બેઠી છે.
બાજુમાં બેઠેલા છોકરાને કહે છે:
‘બેટા, જરા કાગળ લખી દે.’

છોકરો પેન કાઢે છે.
‘લખ: દીકરા, તું મજામાં હોઈશ.’
થોડું અટકે છે.
‘લખ: અહીં બધું બરાબર છે.’

છોકરો લખે છે.
ડોશીના ગાલ પર
એક ટીપું પડે છે.

‘લખ: ઘૂંટણ હવે નથી દુખતા.
લખ: ગાય સારું દૂધ આપે છે.
લખ: તારી ચિંતા કરતી નથી.’

છોકરો પેન અટકાવે છે:
‘બા, આ બધું સાચું છે?’

ડોશી હસે છે:
‘તું તો લખ, બેટા.
અભણ માની
સાચી વાત
દીકરો વાંચી શકે,
કાગળ નહીં.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપવન ને ઝાડઆગલો લેખ →કોણ છું?