આયખું
આયખું તો ઝાકળનું ટીપું, સૂરજ ઊગે ઊડી જાય,
એટલી વારમાં ફૂલને ભીંજવે, એ જ એની કમાઈ.
કોઈ કહે: ‘આ તો ટૂંકું!’ ને કોઈ કહે: ‘આ ઝાઝું!’
માપે શું આયખું, ભાઈ? ગણો જીવ્યા એટલું સાચું;
સો વરસ સૂતા રહો, કે એક પળે ઝળહળી જાય…
આયખું તો…
બાળપણે રમતાં રમતાં, જુવાનીએ ઝૂમતાં,
ઘડપણમાં લાકડી ટેકે, સાંજે સૂરજ ચૂમતાં;
દરેક ઋતુની પોતાની મ્હેક, એ જ તો મીઠાશ કહેવાય…
આયખું તો…
પરાગ કહે: આ ટીપું ભલે ઊડે, પણ ભીંજવી જાય,
ફૂલની પાંખડીમાં એની ઠંડક રહી જાય;
જેણે બીજાને ભીંજવ્યા, એનું આયખું અમર થાય…
આયખું તો…
– પરાગ રતનપરા