આવ્યા અહીં
ગામથી સઘળા સગાંના છોકરા આવ્યા અહીં,
સાથ ત્રણ થેલા, ભરેલા બિસ્તરા આવ્યા અહીં.
રાતભર ઘોરે, સવારે પાંચ વાગે જાગતા,
ખાંસતા, ભજનો ઉપાડી, ડોકરા આવ્યા અહીં.
ભીંત રંગી, કાચ ફોડ્યા, ઝાડ પર ઝૂલ્યા કરે,
આ સગાંનાં છોકરાં કે વાંદરા આવ્યા અહીં?
મા વણે રોટી સવારે, રાતભર વાસણ ઘસે,
ને બજેટે બાપુના તો કાંકરા આવ્યા અહીં.
જ્યાં ગયા સૌ, આ પરાગે શ્વાસ લીધો મોકળો,
ઘર તપાસ્યું, ભાગમાં બસ ઠીકરા આવ્યા અહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #સગાંવહાલાં #વેકેશન #મહેમાનગતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #Relatives #VacationGuests #FamilyChaos #ParagRatanpara