આવો હરિ
આવો હરિ, મારે આંગણે આવો, ઝાંખો દીવો બળે,
ઝૂંપડી નાની, મન મોટું, તમને ખોળો મળે.
ના છપ્પન ભોગ, ના મેવા, ના રેશમનો થાળ,
છાશ ને રોટલો ને મીઠું, ને પાંદડાંનો ઢાળ;
વિદુરની ભાજી જેવો મારો ભાવ જરી જો ભળે…
આવો હરિ…
ના શંખ, ના ઘંટ, ના ઝાલર, ના ઢોલની ધમાલ,
આંસુની બે બુંદ ધરું, ને મૌનનો ગુલાલ;
સૂના ઝાંપે રાહ જોઉં, સાંજ ધીમેથી ઢળે…
આવો હરિ…
પરાગ કહે: તું આવીશ ત્યારે ઓળખીશ હું કેમ?
કદાચ ભિખારી થઈને આવે, કદાચ બાળક જેમ;
જે આવે તેને તું માનું, તો તું જ સૌમાં જડે…
આવો હરિ…
– પરાગ રતનપરા