← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવતે ભવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પચાસ વર્ષ પછી
એ મને કહે:
‘આવતે ભવ
તમે મારા જેવી બનજો,
ને હું તમારા જેવો.’

મેં હસીને પૂછ્યું: ‘કેમ?’

એ બોલી:
‘તમને સમજાય
કે સવારે પાંચ વાગ્યે ઊઠવું એટલે શું,
ને રાતે બધાંને સુવડાવી
છેલ્લે સૂવું એટલે શું.
ને મને સમજાય
કે આખી જિંદગી
‘હા, હા’ કહીને
કશું જ ન સાંભળવું એટલે શું.’

હું ચૂપ.

પછી ધીમેથી
એણે મારો હાથ પકડ્યો:
‘પણ જોજો,
સાથે તો આપણે જ…
ભૂમિકા બદલાય,
નાટક નહીં.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખગુલાબી કાગળઆગલો લેખ →સપનાનું ગામ