આવકાર
આંગણે આવો તો આવકાર, ભાઈ, આંગણે આવો તો આવકાર,
ઓસરીએ ઢાળ્યો ખાટલો ને ચૂલે મૂક્યો છે કંસાર.
પગ ધોવાને લોટો પાણી, ઢોળિયે ગોદડી ઢાળી,
છાશ પીરસું, રોટલો મૂકું, ઘીની વાડકી વાળી;
ભૂખ્યો કોઈ જાય ન પાછો, એ જ ઘરનો સંસ્કાર…
આંગણે આવો તો…
શહેરમાં તો ડોરબેલ વાગે, કી-હોલમાંથી જુએ,
‘કોણ છે?’ પૂછે અંદરથી, ને મહેમાન બહાર રુએ;
ગામડે તો બારણું ખુલ્લું, ખુલ્લો સૌનો પ્યાર…
આંગણે આવો તો…
પરાગ કહે: મહેમાન તો છે ઈશ્વરનો જ અવતાર,
અતિથિ દેવો ભવ — એ જ આપણો સંસાર;
ઘર નાનું, પણ હૈયું મોટું, એ જ સાચો શણગાર…
આંગણે આવો તો…
– પરાગ રતનપરા