← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આપણે કેમ મળતા નથી?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આપણે એક જ શહેરમાં રહીએ છીએ.
એક જ મેટ્રોમાં
રોજ સવારે
બે ડબ્બા છેટે
ઊભા હોઈએ છીએ.

તારી દીકરીના લગ્નમાં
મેં કવર મોકલ્યું,
મારા પિતાના બેસણામાં
તેં ફૂલ મોકલ્યાં.

વૉટ્સઍપ પર
તું દર દિવાળીએ
દીવાનું એક જ ચિત્ર મોકલે છે,
હું દર વર્ષે
એ જ ચિત્ર પાછું મોકલું છું.

કૉલેજની કૅન્ટીનમાં
આપણે એક કટિંગ ચા
અડધી અડધી પીતા.

આજે બંને પાસે
પૂરી ચા છે,
પૂરો સમય નથી.

કે પછી —
સમય પૂરો છે,
ને કોઈ
પહેલો ફોન કરે,
એટલી હિંમત
અડધી અડધી પણ નથી?

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઘરેઆગલો લેખ →ફોરમ