← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંસુ ને પાણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાણી પૂછે આંસુને: ‘તું કેમ આટલું ખારું રે?’
આંસુ બોલ્યું: ‘મેં હૈયું ચાખ્યું, એ જ નસીબ અમારું રે.’

તું તો વહે નદીએ-નાળે, ગામ આખું તને પીએ,
હું તો વહું ગાલ ઉપરથી, કોઈ ન મારું લીએ;
તને ઝીલવા બેડાં આવે, મારે પાલવ-કિનારું રે…
પાણી પૂછે…

તારે માટે મેઘ વરસતા, તારા માટે મેળા,
મારે માટે અંધારી રાત ને ઓશીકાના ખેળા;
તું તો ખેતરે મોતી ઉગાડે, હું તો મનને ઠારું રે…
પાણી પૂછે…

પરાગ કહે: બે બહેનો સરખી, એક જ જળની જાયી,
એક તરસ ભાંગે આ જગની, બીજી ભાંગે ખાઈ;
આંસુ વિના પાણી ય ફિક્કું, એ જ સત્ય સૌથી ન્યારું રે…
પાણી પૂછે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅમસ્તુંઆગલો લેખ →ફકીરી