આંસુ છે
રાતભર તકિયે હતાં જે, સાવ ખારાં આંસુ છે,
ને સવારે હાસ્ય થઈને, એ જ તારાં આંસુ છે.
છીપમાં મોતી બને જે આભનું એ બુંદ, ને
છીપ બોલી: ‘ના, ન મોતી, એ જ પ્યારાં આંસુ છે.’
મોલ ઢાળી માવઠું ગ્યું, બાપ મૂંગો થઈ ગયો,
આંખ કોરી, તોય ભીતર ગુપ્ત ન્યારાં આંસુ છે.
મંચ પરથી આંખ લૂછી, ભાષણો ભીનાં થયાં,
વોટ લેવા કામ આવે, ખૂબ સારાં આંસુ છે.
આ પરાગે ઝાકળોને ફૂલ પર જોયાં, અને
ત્યાં થયું: એ રાતના મારાં-તમારાં આંસુ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #આંસુ #વેદના #ખેડૂત #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Tears #Sorrow #FarmersPain #CrocodileTears #ParagRatanpara