← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આકાશ દર્શન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમેરિકાના એક નાના ટાઉનમાં,
તળાવને કિનારે,
રાતે
હું આકાશ જોવા બેઠો.

એ જ સપ્તર્ષિ,
એ જ ધ્રુવ,
એ જ ચંદ્ર —
જાણે કોઈએ ગામનું આકાશ
ઉપાડીને અહીં લટકાવી દીધું હોય.

પણ કંઈક ખૂટતું હતું.

ઘણી વાર પછી સમજાયું —
અહીં અગાશી નથી,
ખાટલો નથી,
બાજુમાં સૂતેલા દાદા નથી
જે આંગળી ચીંધીને કહે,
‘જો, એ તારો ધ્રુવ —
ભૂલો પડે તો એને પૂછજે.’

હું ઘણું ભૂલો પડ્યો છું, દાદા.
ધ્રુવ તો છે,
પણ હવે
પૂછવાની ભાષા
ભૂલી ગયો છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમોબાઇલ મહારાજઆગલો લેખ →વર્ષો પછી મળ્યાં