આકારમાં
શિલ્પી ઘડે, ને ઊતરે દેવો શિલા આકારમાં,
પાનાં ઉપર જ્યારે ગઝલ, ત્યારે કળા આકારમાં.
ના દેવળે, ના મંદિરે, શોધ્યો ઘણો તોયે નહીં,
દીઠો મને એ તો જુઓ, માની દુઆ આકારમાં.
ખેતર મહીં ખેડૂત જોતો આભ સામે આશથી,
ત્યાં ઊતરે વરસાદમાં, કાળી ઘટા આકારમાં.
દેખાય ના, પણ શ્વાસમાં આવે અને જાવે સદા,
એ તો રહે છે સર્વમાં, પ્રાણો હવા આકારમાં.
ના રંગ કે આકાર, બસ જાણે હવા જેવો પરાગ,
ખીલે કળી, મ્હેકે ચમન, ઝૂલે લતા આકારમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #નિરાકાર #ઈશ્વર #અધ્યાત્મ #પ્રકૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #FormlessDivine #GodInAll #Spirituality #NatureIsGod #ParagRatanpara