ખૂટી ગયું
ઠંડી હતી, લાંબી હતી, ને તાપણું ખૂટી ગયું,
ઢાંક્યાં બધાં સંતાનને, ને ઓઢણું ખૂટી ગયું.
એ દીકરી પરણી, બધું ઘર ઝૂમતું ગાતું હતું,
એ સાસરે ચાલી, પછી આ આંગણું ખૂટી ગયું.
જે પારણે ઝૂલ્યા અમે, ઝૂલ્યા પિતા, દાદા ય પણ,
આ ફ્લેટમાં આવ્યા પછી એ પારણું ખૂટી ગયું.
વર્ષો સુધી ઈંટો ચણી, બાંધ્યું ભલે મોટું મકાન,
પણ આવવા કો’ને દિલે એ બારણું ખૂટી ગયું.
આ બાગને મ્હેકાવતાં વેરાઈ ગ્યો આખો પરાગ,
પોતા તણા ઘરને જ ત્યાં એ તોરણું ખૂટી ગયું.
– પરાગ રતનપરા
#ગઝલ #અભાવ #મા #દીકરી #ત્યાગ #પરાગરતનપરા
#GujaratiGhazal #NeverEnough #MothersSacrifice #DaughtersFarewell #EmptyHome #ParagRatanpara