આજ તો
શ્વાસ ચાલે છે, હવા છે, રાજવી છું આજ તો,
સૂર્ય સામે આંગણે, ને ભૈરવી છું આજ તો.
ના તિજોરી, ના તમાશો, ના કશાનો ડર મને,
બેઉ હાથે કામ છે, બસ માનવી છું આજ તો.
કાલ ખરવાની હતી, ને આજ ફૂટ્યો ડાળ પર,
એક કૂંપળ, એક ટહુકો, પલ્લવી છું આજ તો.
તું હસી’તી કાલ સાંજે, ફૂલ જેવું સ્હેજ બસ,
એ જ મ્હેકે મઘમઘું, હું માધવી છું આજ તો.
આ પરાગે કાલની ચિંતા ઉતારી બારણે,
ને પ્રવેશું ઘર મહીં, તો ઉત્સવી છું આજ તો.
– પરાગ રતનપરા
#ગઝલ #આજ #વર્તમાન #આનંદ #જીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #LiveToday #PresentMoment #Joy #Gratitude #ParagRatanpara