આઈસીયુની બહાર
આઈસીયુની બહાર
એક બાંકડો છે,
જેના પર
કોઈ લાંબું બેસી શકતું નથી —
દર પાંચ મિનિટે
ઊભા થઈ
કાચના દરવાજા સુધી જવું પડે છે.
અંદર
મા છે,
નળીઓ ને મશીનો વચ્ચે —
જેણે આખી જિંદગી
અમને
કોઈ મશીન વગર જિવાડ્યાં.
ડૉક્ટર કહે છે: ‘આશા રાખો.’
હું આશા રાખું છું —
જેમ મા રાખતી,
રોજ સાંજે
ઠરી ગયેલી રોટલી
ગરમ રાખવા
કપડામાં વીંટીને.
– પરાગ રતનપરા