આઈ.સી.યુ.ની બહાર
કાચના બારણાની
આ બાજુ હું છું,
પેલી બાજુ બાપુ.
વચ્ચે
એક લીલી લીટી
સ્ક્રીન પર
ઊંચી-નીચી થાય છે —
જાણે બાપુ
હજી ય
ખેતરના શેઢે
ચાલતા હોય.
નર્સ કહે છે:
‘ઘેર જઈને આરામ કરો.’
હું હસું છું.
નાનો હતો ત્યારે
તાવમાં
આખી રાત
બાપુ મારા ઓશીકે બેઠા હતા,
ને સવારે
કશું બોલ્યા વિના
ખેતરે ગયા હતા.
આજે
આખી રાત
હું
એ લીલી લીટીને
ઓશીકે બેઠો છું.
સવારે
એ ઊઠે
તો હું પણ
કશું બોલ્યા વિના
એમનું ખેતર
ખેડી આવીશ.
– પરાગ રતનપરા