ઝેન્ડર પત્ર
શરૂઆત પરિણામથી કરો. વર્ષ પૂરું થાય ત્યારે શું બનશે તેની ચિંતા છોડીને, વર્ષના પહેલા જ દિવસે એવું માની લો કે તમે સફળ થઈ ચૂક્યા છો. આ માનસિક પ્રયોગને 'ઝેન્ડર પત્ર' કહે છે. આ વિચાર બોસ્ટન ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાના કંડક્ટર બેન્જામિન ઝેન્ડર અને તેમના પત્ની રોઝામેન્ડ ઝેન્ડરે તેમના પુસ્તક 'ધ આર્ટ ઓફ પોસિબિલિટી'માં આપ્યો હતો. સંગીતના ક્લાસમાં તેઓ વિદ્યાર્થીઓને પહેલા જ દિવસે 'એ' ગ્રેડ આપી દેતા. શરત માત્ર એક: વિદ્યાર્થીએ એક પત્ર લખવાનો. તારીખ આજથી બાર મહિના પછીની મૂકવાની. એ પત્રમાં વિગતવાર લખવાનું કે મેં આ આખું વર્ષ એવું તે શું કર્યું કે હું આ સર્વોચ્ચ ગ્રેડને લાયક બન્યો?
આ કોઈ સસ્તી પોઝિટિવ થિંકિંગની દવા નથી. આપણે ભવિષ્યની ચિંતામાં જીવીએ છીએ. 'હું કરી શકીશ કે નહીં?' એવો ડર માણસની ઊર્જા ચૂસી લે છે. જ્યારે પરિણામ પહેલેથી નક્કી કરી લો છો, ત્યારે મનમાંથી ડર ગાયબ થઈ જાય છે. તમારી નજર પરિણામ પરથી હટીને રસ્તા પર સ્થિર થાય છે. તમે સાબિત કરવાની મથામણમાંથી મુક્ત થાવ છો અને સીધા કામમાં ઉતરી પડો છો.
આપણા સમાજમાં લગ્ન અને સગાઈનું બજાર જુઓ. નાત-જાતના સમૂહમાં સંબંધ શોધવા નીકળેલો યુવાન સતત લઘુતાગ્રંથિમાં સબડે છે. સામેવાળા શું વિચારશે? છોકરીવાળા રિજેક્ટ કરશે તો? આ આખો ડર તેના વ્યક્તિત્વને સંકોચી નાખે છે. હવે ઝેન્ડર પદ્ધતિ વાપરો. યુવાન કાગળ પર તારીખ લખે: બરાબર એક વર્ષ પછીની. એ લખે છે કે આજે મારી સગાઈ એક સમજદાર જીવનસાથી સાથે થઈ ચૂકી છે. પછી એ યાદી બનાવે છે કે આ બાર મહિનામાં પોતે કેવો માણસ બન્યો. તેણે ખોટો દેખાડો બંધ કર્યો, આત્મવિશ્વાસથી વાત કરી, પૈસા અને કારકિર્દી બાબતે પારદર્શક રહ્યો અને નાતની નકામી પંચાતોથી ઉપર ઊઠ્યો.
આવો પત્ર લખ્યા પછી રમત બદલાઈ જાય છે. તમે ભિખારી મટીને કર્તા બનો છો. સંબંધ શોધતી વખતે જે ભય હતો તે ગાયબ થઈ જાય છે. પત્ર ભવિષ્યની કલ્પના નથી, પણ વર્તમાનના વ્યવહારનું માળખું છે.
જે માણસ પોતાની સફળતાને ભૂતકાળ તરીકે સ્વીકારી લે છે, તેને વર્તમાનનો કોઈ ભય પછાડી શકતો નથી.