મેગાલોથાઇમિયા
માણસ માત્ર રોટલી કે મકાનથી ધરાતો નથી. પ્રાણી પેટ ભરાય એટલે સૂઈ જાય છે, માણસ જાગતો રહે છે કારણ કે તેને માન્યતા જોઈએ છે. ગ્રીક ફિલસૂફ પ્લેટોએ આ ભૂખને 'થાઇમોસ' કહી હતી. પોતે બીજા સમાન છે તેવી સ્વીકૃતિની ઝંખના એટલે આઇસોથાઇમિયા. પણ જ્યારે કોઈ માણસ બીજા કરતાં આગળ, સૌથી વિશિષ્ટ અને શ્રેષ્ઠ ગણાવા માટે તરફડે છે, ત્યારે તે 'મેગાલોથાઇમિયા' બને છે. આ માત્ર આત્મવિશ્વાસ નથી, પોતાનું વર્ચસ્વ સાબિત કરવાની હિંસક ભૂખ છે.
આ વિચારને ફ્રાન્સિસ ફુકુયામાએ ૧૯૯૨માં પોતાના પુસ્તક 'ધ એન્ડ ઓફ હિસ્ટ્રી એન્ડ ધ લાસ્ટ મેન'માં આધુનિક રાજકારણ અને સમાજ માટે સમજાવ્યો. ફુકુયામાએ કહ્યું કે ઇતિહાસ મોટા સામ્રાજ્યોના પતન કે યુદ્ધોથી ભરેલો છે કારણ કે કેટલાક માણસો સામાન્ય બનીને જીવી શકતા નથી. તેમને સામાન્ય નાગરિકતા નાની લાગે છે. તેમને ઇતિહાસના પાના પર પોતાની છાપ છોડવી હોય છે, પછી ભલે દુનિયા સળગી જાય.
આ લક્ષણ ન હોય તો દુનિયા કદાચ શાંત રહે, પણ તેમાં કશું મોટું સર્જન ન થાય. એમ્પાયર ઊભા કરનારા ઉદ્યોગપતિઓ, મહાન સેનાપતિઓ કે વિશ્વવિજેતા ખેલાડીઓ આ જ આગથી બળે છે. મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે આ ભૂખ અહંકારમાં ફેરવાય છે. જેને સામાન્ય સ્વીકૃતિથી સંતોષ નથી, તે ઘણી વાર પોતાના સાથીઓને કે નિયમોને પગ નીચે કચડી નાખે છે. મેગાલોથાઇમિયા સર્જક પણ બની શકે અને ક્રૂર પણ.
ઓલિમ્પિક્સના અખાડામાં આ વૃત્તિ સ્પષ્ટ દેખાય છે. હરિયાણાના એક સામાન્ય અખાડામાંથી નીકળતો કુસ્તીબાજ માત્ર સરકારી નોકરી કે રોકડ ઇનામ માટે પરસેવો પાડતો નથી. માત્ર રોટલી રળવી હોત તો તે ગામમાં દંગલ લડીને સંતોષ માની લેત. તેને તો પોડિયમ પર સૌથી ઉપર ઊભા રહીને આખી દુનિયાની સામે પોતાનો હાથ ઊંચો જોવો છે. તે બીજા કરતા ચડિયાતો છે તે સાબિત કર્યા વિના તેને ઊંઘ નથી આવતી. સામાન્ય માણસ આ જીદને ગાંડપણ કહે છે, રમતજગત તેને ચેમ્પિયનની માનસિકતા કહે છે.
સમાનતા સંતો માટે સંતોષ હોઈ શકે, પણ ઇતિહાસ હંમેશાં એ લોકોએ જ બદલ્યો છે જેમને બીજાથી મોટા દેખાવું હતું.