← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · અક્કલના નિયમો

લોટરી ટિકિટ અસર

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૧૬૪

ગણિતશાસ્ત્ર કહે છે કે લોટરી જીતવાની શક્યતા શૂન્ય બરાબર છે. છતાં માણસ ટિકિટ ખરીદે છે. આ માત્ર નસીબ અજમાવવાની રમત નથી, મગજની જૂની નબળાઈ છે. જ્યારે કોઈ સોદામાં નુકસાનની રકમ નાની હોય અને વળતર અકલ્પનીય મોટું દેખાતું હોય, ત્યારે તર્ક બારી બહાર ફેંકાઈ જાય છે. અતિશય ઓછી સંભાવના ધરાવતા પણ જંગી વળતર આપતા સોદા પાછળ આંધળી દોટ મૂકવાની વૃત્તિને 'લોટરી ટિકિટ અસર' કહેવાય છે.

આ વિચાર વર્તણૂક અર્થશાસ્ત્રમાંથી આવે છે. ડેનિયલ કાહનેમન અને આમોસ ત્વર્સ્કીના 'પ્રોસ્પેક્ટ થિયરી'માં આ મનોવૃત્તિનું મૂળ છે. માણસનું મગજ શક્યતાઓની ટકાવારી ગણવામાં નબળું છે. એક ટકાના દસમા ભાગની સંભાવના અને શૂન્ય સંભાવના વચ્ચેનો તફાવત આપણે પારખી શકતા નથી. પરિણામે, અબજોપતિ બની જવાનો રોમાંચ માણસ પાસે ખોટા આર્થિક નિર્ણયો કરાવે છે. અહીં ગણિત કામ કરતું નથી, આશાનું માર્કેટિંગ વેચાય છે.

આ અસર માત્ર કાગળની ટિકિટો પૂરતી સીમિત નથી. પેની સ્ટોક, ક્રિપ્ટોકરન્સી કે વાહિયાત રોકાણોમાં પણ આ જ મગજ કામ કરે છે. માણસ વિચારે છે કે જો પૈસા ડૂબશે તો પણ શું ફર્ક પડશે? પાંચ-દસ હજાર જ જશે ને! પણ જો ચમત્કાર થયો તો આખી જિંદગી બદલાઈ જશે. આ અસંતુલિત આશા જ ખિસ્સા ખાલી કરાવે છે. નાના-નાના જુગાર ભેગા થઈને એક દિવસ આખી મૂડી સાફ કરી નાખે છે.

અમદાવાદ કે સુરતના પાદરે બની રહેલા સસ્તા પ્રોજેક્ટ્સ જુઓ. કોઈ બિલ્ડર શહેરથી ચાલીસ કિલોમીટર દૂર વગડામાં પ્લોટિંગ પાડે છે. બ્રોશરમાં મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને ગિફ્ટ સિટીની ગુલબાંગો હોય છે. ભાવ સાવ સામાન્ય—લાખ-બે લાખ રૂપિયા. બિપિનભાઈ જઈને પ્લોટ બુક કરાવી આવે છે. એમને લાગે છે કે પાંચ વર્ષમાં કિંમત દસ ગણી થઈ જશે. ત્રીસ વર્ષ પછી પણ ત્યાં માત્ર કાંટાળા બાવળ ઊગે છે. એ પ્લોટ ક્યારેય વેચાતો નથી. આ રિયલ એસ્ટેટનું લોટરી મોડેલ છે.

જે સોદામાં જીતવાની શક્યતા શૂન્ય હોય, ત્યાં ટિકિટ સસ્તી હોવી એ કોઈ રાહત નથી.

અક્કલના નિયમો
← પહેલું પ્રકરણલોટરી ભ્રમણાઆગલું પ્રકરણ →લવમાર્ક્સ