ડોનટ અસર
અમેરિકન નાસ્તા ડોનટને વચ્ચે મોટો ખાલી કાણું હોય છે. બધો માવો અને ખાંડ કિનારીઓ પર જમા થયેલી હોય છે. શહેરી અર્થશાસ્ત્રમાં ‘ડોનટ અસર’ એટલે કેન્દ્રનું ખાલી થવું અને પરિઘનું ફૂલવું. સ્ટાન્ફોર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ અર્જુન રામાણી અને નિકોલસ બ્લુમે કોરોના પછી આ શબ્દ આપ્યો. લોકો અને વેપાર શહેરના ગીચ મધ્યભાગમાંથી નીકળીને બહારના પરાં વિસ્તારોમાં વસવા લાગ્યા. મધ્ય ખાલીખમ થઈ ગયું, પરિઘ ધમધમતો થઈ ગયો.
આ અસર માત્ર ભૂગોળ પૂરતી નથી, આર્થિક વ્યવહારોમાં પણ અદ્દલ આ જ પેટર્ન જોવા મળે છે. જૂના જમાનામાં શહેરના કેન્દ્રમાં બેંકની મુખ્ય શાખા હતી. ત્યાં જ સૌથી વધુ થાપણો, ત્યાં જ મોટા ઉદ્યોગપતિઓની લોન અને ત્યાં જ અસલ સત્તા. શહેરનો મધ્યભાગ ધનવાનોથી ઉભરાતો હતો. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. મોંઘી ઓફિસો અને ટ્રાફિકથી કંટાળીને લોકો હાઈવે તરફ ખસી ગયા છે. શહેરનું જૂનું હૃદય હવે સૂનું છે, જ્યારે હાઈવેના છેડે નવું નગર ઊભું થઈ રહ્યું છે.
અમદાવાદ કે મુંબઈની કોઈ સરકારી બેંકની જૂની મુખ્ય બ્રાન્ચમાં જાઓ. વિશાળ હોલ, ઊંચી છત અને ખાલી કાઉન્ટર્સ દેખાશે. સિનિયર સિટીઝનો પેન્શન લેવા લાઈનમાં ઊભા હશે. આ બેંકની આખી મૂડીનું પેટર્ન હવે બદલાઈ ચૂક્યું છે. અસલ ધીરાણ શહેરના જૂના વેપારી કેન્દ્રોમાં નથી થતું. બેંકના કરોડો રૂપિયાના હોમ લોન અને કાર લોન હવે બોપલ, સાણંદ કે કલ્યાણ-ડોમ્બિવલી જેવા બહારના પરાં વિસ્તારોમાં વહેંચાઈ રહ્યા છે.
નવા યુગના પગારદારો શહેરની બહાર ૪૦ લાખનો ફ્લેટ ખરીદે છે અને વીસ વર્ષનો ઈએમઆઈ બાંધે છે. આ આખી નવી અર્થવ્યવસ્થા શહેરના કેન્દ્રને નકારીને કિનારીઓ પર ફૂલીફાલી રહી છે. ખાનગી બેંકો પણ હવે શહેરના જૂના કોટ વિસ્તારની બ્રાન્ચો બંધ કરીને નવા રિંગરોડ પર ચમકદાર એટીએમ ખોલી રહી છે. જ્યાં વસ્તી ખસે, ત્યાં મૂડી ખસે. જૂનું કેન્દ્ર માત્ર વહીવટી સ્મૃતિ બનીને રહી જાય છે.
કેન્દ્ર પોતાની જૂની જાહોજલાલીના વહેમમાં રાચે છે, પણ અસલ લોહી પરિઘની નસોમાં દોડતું થઈ ગયું હોય છે.