યાર
દૂર છે, પણ દૂર ક્યાં છે? એ જ મારો યાર છે,
સાત દરિયાપાર પણ એ શ્વાસનો આધાર છે.
ફોન પર બોલે ન બહુ, બસ ‘કેમ છે?’ પૂછી રહે,
એ જ બે શબ્દે સમાયો પ્રેમનો વિસ્તાર છે.
રાત ત્રણ વાગે ય જેને ફોન હું જોડી શકું,
આ જગતમાં એ જ મારો એકલો ઉપચાર છે.
બાળપણનો એ ભમરડો, એ લખોટી, એ પતંગ,
એ જ યાદોની ગઠરિયાં આયખાનો સાર છે.
ફૂલ ખીલે આ ‘પરાગે’, ને સુગંધી ત્યાં વહે,
મિત્રતા એવી જ, જાણે બે હૃદયનો તાર છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મિત્રતા #દોસ્તી #પરદેશ #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #DistantFriend #ChildhoodMemories #Bond #ParagRatanpara