વિદાય
આંગણાની ચકલી ઊડી, બાપુ ઊભા ઝાંપે,
ડોલી જાતી દૂર દૂર, ને હૈયું આખું કાંપે.
પગલીઓ પાડી’તી એણે જે ઓસરીની ધૂળમાં,
એ જ પગલાં કંકુનાં થઈ ચાલ્યાં બીજા કુળમાં;
હવે એ પગલાંની છાપે બાપ ઉંમરને માપે…
આંગણાની ચકલી ઊડી…
મા રડી, ને ભાઈ રડ્યો, રડી સહિયર સૌ સાથે,
બાપ ન રોયો, ઊભો રહ્યો, બેઉ હાથ જોડી માથે;
ભીતર એનો દરિયો ઊછળે, પણ મુખ પર ના છાપે…
આંગણાની ચકલી ઊડી…
પરાગ કહે: દીકરી તો છે તુલસી ઘરના ક્યારે,
એક ઘરેથી ઊપડે, ને બીજું ઘર મહેકાવે ત્યારે;
બાપ તો સૂનો ક્યારો રે, જ્યાં સૂનાપણું વ્યાપે…
આંગણાની ચકલી ઊડી…
– પરાગ રતનપરા