વ્હાલમની વાત
મનમાં ઘોળાય મારા વ્હાલમની વાત, સખી, હોઠે ન આવે,
આંખોમાં ઊગે, ને ગાલે શરમાય, મને કોણ રે બચાવે?
સાંજે એ આવે ને ઝાંપે ઊભો રહે,
આંખથી ઝીણું ઝીણું ચૂપ ચૂપ કંઈ કહે;
હું તો બારીએ ઊભી રહું, પાંપણ નમાવે…
મનમાં ઘોળાય…
મા પૂછે: ‘કેમ તું બેઠી છે ખોવાઈ?’
દીવો કરતાં મારી વાટ જ બળી ગઈ;
રોટલો ઘડું, ત્યાં ચૂલો પણ એનું નામ ગાવે…
મનમાં ઘોળાય…
પરાગ કહે: આ પ્રીત તો છાની ન રહે,
ફૂલ ખીલે તો મ્હેક આખું ગામ કહે;
વાત જે હોઠે ન આવે, એ જ ગીતમાં ગવાવે…
મનમાં ઘોળાય…
– પરાગ રતનપરા