← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વીરાની રાખડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારો વીરો રે વડલાની છાંય, એની ઓથે હું ઊછરી,
રાખડી બાંધું એને હાથ, તો મારી ઝૂલે રે કાંડે ઝૂમરી.

નાના હતા ત્યારે લખોટી સારુ કરતા’તા ઝગડા,
માડી વઢે તો વીરો કહેતો, ‘વાંક છે મારો, બધા’;
છાનો રહીને મારા ભાગની એણે ખાધી’તી ઠપકાની ભૂખરી…
મારો વીરો…

ડોલી ચડી ત્યારે આખું ગામ રોયું, વીરો ઊભો’તો મૂંગો,
પાછળ વળીને જોયું તો એની આંખમાં દરિયો ઊંડો;
મારી વિદાયે એ દિ’ એણે પહેલી વાર આંખ ભીંજવી ભૂરી…
મારો વીરો…

પરાગ કહે: આ ભાઈ-બેનીનું હેત ન માપે કોઈ,
રાખડીનો એક તાંતણો આખા જનમનું બંધન હોય;
દૂર ભલે પરદેશ વસે, પણ સાંભરે રોજ સવારે ને સાંજ પૂરી…
મારો વીરો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅરીસોઆગલો લેખ →ભાઈબંધી