વીજ ઝબૂકી
આભે વીજ ઝબૂકી ને ગાજ્યો મેહુલિયો, ગામ આખું જાગ્યું રે,
સૂતી ધરતીના કાનમાં કોઈ મીઠું મીઠું વાગ્યું રે.
ઢોર ભાંભર્યાં ખીલે, ને ટહુક્યા મોર ડુંગરિયે,
ખેડૂતે હળ સાફ કર્યાં, ને બળદ જોતર્યા ઘરિયે;
બા બોલી: ‘લાવ, ચૂલે ખીચડી, આજ શુકન લાગ્યું રે’…
આભે વીજ…
છોકરાં કાગળની નાવો લઈ ખાબોચિયે દોડ્યાં,
ગોરીનાં ઝાંઝર ઓસરીએ મેઘ જેવાં બોલ્યાં;
પરદેશે ગયેલાને પણ ઘરનું સપનું વાગ્યું રે…
આભે વીજ…
પરાગ કહે: આ ગાજવીજ તો આભનો હરખ ભારી,
વરસે ત્યારે ધરતી ખોલે લીલી લીલી બારી;
સુકાયેલું મન પણ મારું ટીપે ટીપે જાગ્યું રે…
આભે વીજ…
– પરાગ રતનપરા