વેચાણમાં
બાટલામાં બંધ થઈને આ હવા વેચાણમાં,
ને હવાથી જે થયા માંદા, દવા વેચાણમાં.
મંદિરે પણ રેટકાર્ડો, ભીડમાં દર્શન મળે,
દાનપેટીને ભરો, ત્યાં તો દુઆ વેચાણમાં.
ચૂંટણીના મંચ પર ભાડે ભરી ટોળાં બધાં,
નોટ લઈ નારા કરે, આખી સભા વેચાણમાં.
એપમાં ‘સ્વાઇપ’ કરો તો પ્રેમ પણ મળતો અહીં,
સેલમાં, ‘ફ્રી’ ગિફ્ટની સાથે વફા વેચાણમાં.
બાગ પણ વેચાઈ ગ્યો, ને ફૂલ સૌ અત્તર થયાં,
ને પરાગે, આ ગઝલની પણ કથા વેચાણમાં!
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #બજારવાદ #પ્રદૂષણ #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #EverythingForSale #Consumerism #ModernTimes #ParagRatanpara