← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન

વસ્તુઓનો અનંત પ્રવાહ

૩૦ ઓક્ટોબર ૨૦૨૫નિબંધ

**વસ્તુઓનો અનંત પ્રવાહ**
*લેખક: પરાગ રતનપરા*

અને હા, આ બધું કંઈક છે ને છે, આ પેટીઓ ભરેલી ભરેલી, કબાટો ઠસાઠસ, ખૂણા ખાંચરામાં છુપાયેલી વસ્તુઓ જાણે શ્વાસ લેતી હોય, જીવતી હોય, મને કહેતી હોય કે અમે અહીં છીએ, તું અમને ભૂલી ગયો પણ અમે તને યાદ કરીએ છીએ, તે જૂની ડાયરી જેમાં કોઈએ ક્યારેય નથી લખ્યું, પણ ફેંકી શકાતી નથી કારણ કે કદાચ એક દિવસ, કોણ જાણે કયા દિવસે, કદાચ આવતીકાલે કે પરમ દિવસે કે આવતા વર્ષે જ્યારે વરસાદ પડશે અને હું ઘરમાં બેઠો હોઈશ ત્યારે અચાનક મને થશે કે હા, આજે લખવાનો દિવસ છે, પણ તે દિવસ આવતો નથી, ક્યારેય આવતો નથી, છતાં ડાયરી રહે છે ત્યાં જ, મૌન, રાહ જોતી...

પેલા બટનો, હા બટનો, કેટલા બટનો છે મારી પાસે, નાના મોટા ગોળ ચોરસ પ્લાસ્ટિકના લાકડાના ધાતુના, કયા શર્ટના છે કોણ જાણે, શર્ટ તો ક્યારનું ગયું પણ બટન રહી ગયા, જાણે કે તેઓ પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માગતા હોય, કહેતા હોય કે જુઓ, અમે હતા, અમે છીએ, અમે રહીશું, અને હું તેમને ફેંકી શકતો નથી કારણ કે કદાચ, માત્ર કદાચ, કોઈ દિવસ કોઈ બટન તૂટશે અને મને જરૂર પડશે આ બટનોની, પણ તે દિવસ પણ આવતો નથી...

ઉંમર વધે છે અને સાથે સાથે વધે છે આ વસ્તુઓનો ઢગલો, આ અર્ધઉપયોગી અર્ધવિસ્મૃત વસ્તુઓ, જૂના ચાર્જર જે હવે કોઈ ફોનમાં ફિટ થતા નથી, પણ રાખવા પડે કારણ કે technology આટલી ઝડપથી બદલાય છે કે કદાચ ફરી જૂનું નવું બની જાય, પેલી ચાવીઓ જેના તાળા ક્યાંય નથી, પણ ચાવીઓ છે, ભારે છે, હાથમાં પકડો તો લાગે છે કે કંઈક મહત્વનું છે, કોઈ રહસ્યનો ભાગ છે...

સાફ કરવાનો પ્રયાસ કરું છું, શરૂઆત કરું છું ઉત્સાહથી, પણ દરેક વસ્તુ સાથે જોડાયેલી હોય છે એક સ્મૃતિ, એક સંભાવના, એક 'કદાચ', અને આ 'કદાચ' એ જ મને રોકે છે, બાંધી રાખે છે, અને વસ્તુઓ રહી જાય છે, વધતી જાય છે, જાણે પોતાની જાતે જ વંશવૃદ્ધિ કરતી હોય રાત્રે જ્યારે હું સૂતો હોઉં છું...

આ છે જીવનની વિડંબના, કે જેટલું જીવીએ છીએ તેટલું ભેગું કરીએ છીએ, અને જેટલું ભેગું કરીએ છીએ તેટલું બંધાઈએ છીએ, અને છતાં છોડી શકતા નથી, કારણ કે છોડવું એટલે સ્વીકારવું કે સમય પસાર થઈ ગયો છે, કે આપણે બદલાઈ ગયા છીએ, કે જે હતું તે હવે નથી અને કદાચ ફરી કદી નહીં હોય...

આત્મચિંતનપ્રકૃતિધર્મયાદો
← પહેલો લેખસ્વપ્નદ્રષ્ટાઆગલો લેખ →મહાન ભારતીય ડોક્યુમેન્ટેશન ઓલિમ્પિક્સ