વસંતની વધામણી
આંબે મ્હોર્યા મોર ને કોયલ ટહુકી ડાળે રે,
વસંત આવી વાટ લઈને ફાગણને ફાળે રે…
ખેતર પીળાં, સરસવ ઝૂલે, ભમરા ગાય ગુંજાર,
ખાખર ઓઢી કેસરિયાં, ને ખીલ્યાં કેસૂડાં અપાર;
ગામની ગોરી ગાગર લઈને ઝૂમતી ચાલે પાળે રે…
આંબે મ્હોર્યા…
શાળામાં મા શારદાનું પૂજન, પાટી પર ‘શ્રી’ અક્ષર,
નાનકડાં આંગળાંએ પકડ્યો પહેલો પહેલો અવસર;
અક્ષર સાથે ઊગે સપનાં, જેમ કૂંપળ ડાળે રે…
આંબે મ્હોર્યા…
પરાગ કહે: આ ઋતુ ન આવે ફક્ત બાગ ને વનમાં,
જે દિ’ મન મ્હોરી ઊઠે, વસંત બેસે એ જ મનમાં;
બારે માસ વસંત એને, જે જીવે હેત-હૂંફાળે રે…
આંબે મ્હોર્યા…
– પરાગ રતનપરા