વરસાદમાં
આંગણે ભીંજાય તારી ઓઢણી વરસાદમાં,
ને ઝબૂકે આભમાં આ દામિની વરસાદમાં.
તું નથી ત્યાં, મોરના ટહુકા મને દાઝે હવે,
રોજ રોતી કોઈ વિરહી મોરની વરસાદમાં.
દૂરના ઘરમાં જરા છેડ્યો હશે મલ્હાર, ને
રાતભર રોતી રહી એ રાગિણી વરસાદમાં.
હાથમાં છત્રી હતી, તોયે પલળતો હું ગયો,
એ ય તારી યાદ જેવી યામિની વરસાદમાં.
આ પરાગે ઘાસની મ્હેકે લખી આખી ગઝલ,
વાદળે ઢાંકી છતાં એ ચાંદની વરસાદમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વરસાદ #વિરહ #મલ્હાર #ચોમાસું #પરાગરતનપરા
#GujaratiGhazal #RainAndLonging #Monsoon #Separation #Malhar #ParagRatanpara