વરસાદ ક્યાં?
મોલ સૂકા, ધૂળ ઊડે, ખેતરે વરસાદ ક્યાં?
ઝૂંપડીનું ઘાસ તપતું, છાપરે વરસાદ ક્યાં?
ભાંભરે છે ગાય સૂની, ચાર ના પૂળો મળે,
રાહ જોતા વૃદ્ધ પૂછે, પાદરે વરસાદ ક્યાં?
છોકરો શોધે મજૂરી દૂર જઈ પરદેશમાં,
આંખ માની નીતરે, પણ ઉંબરે વરસાદ ક્યાં?
મંચ પરથી વાયદાનાં વાદળાં વરસે ઘણાં,
ઠંડકે બેઠા, ન જાણે અંબરે વરસાદ ક્યાં.
આ પરાગે ધૂળ થઈ સૂકી ધરા ચૂમી, અને
પ્રાર્થના ભીની કરી, પણ ભીતરે વરસાદ ક્યાં?
– પરાગ રતનપરા
#ગઝલ #દુકાળ #ખેડૂત #ગામડું #વરસાદનીરાહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Drought #FarmersPlight #VillageLife #WaitingForRain #ParagRatanpara