← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વનનો સાદ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મને વનનો સાદ સંભળાય રે, સાયબા, શહેરે ના મન રોકાય,
કે ઊંચી અટારીએ બેઠી ને મારું વન આખું ભીંજાય.

ખાખરના પાનમાં ખાધેલી ખીચડી, મહુડાની મીઠી ગંધ,
કેડીએ કેડીએ પગલાં મૂક્યાં’તાં, હવે સૌ રસ્તા બંધ;
અહીં પથ્થરની ભીંતે ના કોયલ ટહુકે, ના કોઈ ઝરણું ગાય…
મને વનનો સાદ…

સાંજે તો વાંસ વગાડતો વાયરો, રાતે શિયાળની લાળી,
ચાંદો ઊતરતો ઝૂંપડી ઉપર, ચાંદનીની ઝીણી જાળી;
અહીં વીજળીના દીવા લાખ ઝગે, તોય અંધારું ન જાય…
મને વનનો સાદ…

પરાગ કહે: આ વન નથી કેવળ ઝાડ, ઝાંખરાં ને પ્હાડ,
વન તો છે આ હૈયાનું પિયર, જ્યાં મૂળ નાખીને ઊભું ઝાડ;
જે દી’ મૂળથી છૂટ્યું ઝાડ, એ દી’ છાંયો ક્યાંથી થાય…
મને વનનો સાદ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખછૂટા શેર ૪૮૪૧–૪૮૬૫આગલો લેખ →વાંસળી