વાયરા ધીરા ધીરા
વાયરા ધીરા ધીરા વાય, ને ડાળે ડાળે ઝૂલે પાન,
કોણ જાણે કોની વાતે મારું ઊડી જાતું ભાન.
સીમમાં બાજરો ડોલે, ને શેઢે ગાતો ખેડુ,
ઢોલ વાગે ગામને પાદર, હૈયું થાતું ઘેલુ;
ઓઢણીનો છેડો ઊડે, ને ઊડે મનનું તાન…
વાયરા ધીરા…
કૂવાકાંઠે બેડું મૂકી, ઊભી રહું હું થોડી,
પવન કાનમાં કહી ગયો કે, આવે છે તારો જોડી;
છાતીમાં કંઈ ઢોલ વાગે, ને ગાલે લાલ નિશાન…
વાયરા ધીરા…
પરાગ કહે: આ વાયરો તો સંદેશાનો સાથી,
દૂર બેઠેલા મનના માણીગરની લાવે પાતી;
વાયરે વાયરે ઝૂલે મારા સાજનનું મીઠું ગાન…
વાયરા ધીરા…
– પરાગ રતનપરા