વાવી જુઓ
એક દીવો આજ કાળી રાતમાં વાવી જુઓ,
હાસ્યની ફોરમ જરા આ વાતમાં વાવી જુઓ.
રંગ ભીંતે રોજ નવલા, ઘર ભલે ચમકાવજો,
બીજ થોડું પ્રેમનું પણ જાતમાં વાવી જુઓ.
વેરનાં ઝાડો ઘણાં ઊગ્યાં, ઘણાં બાળ્યાં, હવે
સાંત્વનાનું બીજ પણ એ ઘાતમાં વાવી જુઓ.
બાળકોને ફોન, ટીવી, રમકડાં તો આપશો,
પુસ્તકો બે-ચાર પણ સોગાતમાં વાવી જુઓ.
આ પરાગે ધૂળમાં વેરી ગઝલની પાંદડી,
ને સુગંધી ગીત પણ પરભાતમાં વાવી જુઓ.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #પ્રેમ #સંસ્કાર #હકારાત્મકતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #SowingLove #Values #Positivity #ParagRatanpara