વારતા
રાતભર દાદી કહેતી કો’ પરીની વારતા,
ઝાડ નીચે સાંભળી’તી મેં નદીની વારતા.
એક કોળું રથ બને, ને ઉંદરો ઘોડા બને,
રોજ સાંભળતાં અમે જાદૂ-છડીની વારતા.
આજ પૌત્રો ફોનમાં ગેમો રમે છે રાતભર,
કોણ સાંભળશે હવે સૂની ગલીની વારતા?
ઓસરીમાં એક ખાલી ખાટલો છે આજ પણ,
ભીંજવે છે આંખ, બસ એ બે ઘડીની વારતા.
આ પરાગે પણ ગઝલમાં વારતા છેડી, અને
મ્હેકતી ગઈ આ હવામાં એ કળીની વારતા.
– પરાગ રતનપરા
#ગઝલ #વારતા #દાદીમા #બાળપણ #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #GrandmasTales #FairyTales #Childhood #Nostalgia #ParagRatanpara