વાંસળી
વાંસળીના સૂર સાથે નાચતું મન મોર છે,
છાશ માખણ શું ચુરાવે? એ હૃદયનો ચોર છે.
રોજ રાધા રાહ જોતી આ જમનને તીર પર,
શ્વાસ સાથે શ્યામનો આ રેશમી શો દોર છે!
મોરપીંછું શિર ધરીને કોણ આવ્યું આંગણે?
ગામ બોલ્યું: ‘રાત છે કે આ ખરેખર ભોર છે?’
દ્વારિકામાં રાજ તો છે, શંખ પણ, ઐશ્વર્ય પણ,
તોય રાધાની ગલીનો સાદ ત્યાં ઘનઘોર છે.
વાંસળીના છિદ્રમાંથી જે વહે, એ છે ‘પરાગ’,
શ્વાસ કાનાનો, બિચારા વાંસનું ક્યાં જોર છે?
– પરાગ રતનપરા
#ગઝલ #કૃષ્ણ #રાધા #વાંસળી #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Krishna #RadhaKrishna #DivineFlute #Bhakti #ParagRatanpara