વાંસળી વાગી
વાંસળી વાગી ને મારું ગોરસ ઢોળાયું રે,
મટુકી ફૂટી, ને મારું મનડું ચોરાયું રે.
પનઘટ જાતી’તી હું તો ઓઢી ઘાટી ચૂંદડી,
કદંબની ડાળેથી ટહુકી એક વાંસલડી;
પગલાં થંભ્યાં, ને મારું ભાન ભુલાયું રે…
વાંસળી વાગી…
સાસુ પૂછે ‘ક્યાં ગઈ’તી?’, નણદી મારે મ્હેણાં,
કેમ કરી સમજાવું, મારાં ઘેલાં ઘેલાં નેણાં;
શ્યામ રંગે આખું મારું આયખું રંગાયું રે…
વાંસળી વાગી…
પરાગ કહે: આ વાંસળી તો શ્વાસ છે હરિવરનો,
ભવનો ભાર ઉતારે એ તો સૂર છે ગિરિધરનો;
એક ફૂંકે ગોકુળ આખું વૈકુંઠે સમાયું રે…
વાંસળી વાગી…
– પરાગ રતનપરા