← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાદળ રિસાયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાદળ રિસાયું, રે વાદળ રિસાયું,
ખેતરને શેઢે બેઠું ને મોઢું ફુલાયું.

ખેડૂતે કીધું, ‘ભાઈ, વરસ ને જરાક’, તો વાદળ કહે, ‘મારો શો ભાવ?’
તમે તો ડૅમ બાંધ્યા, બોર ઊંડા ખોદ્યા, ને વૃક્ષો કાપ્યાંનો નહીં કોઈ પસ્તાવ;
મારું તો ઘર હતું લીલુંછમ વન, એ જ તમારે હાથે વેચાયું.
વાદળ રિસાયું…

છોકરાંએ કાગળની હોડી બનાવી, ને નાની હથેળીઓ ધરી,
દાદીમાએ ગાયાં ગીત જૂનાં, ને ગાયે નજર આભે કરી;
વાદળનું હૈયું તો માખણનું પિંડ, એ નાનકડા હાથે પિગળાયું.
વાદળ રિસાયું…

ઝરમર ઝરમર ઝૂમી પડ્યું ને ગામ આખું થયું તરબોળ,
પરાગ કહે, રીસ પણ ભીની હોય, જો મનાવે કોઈ નિર્મળ બોલ;
વાવી દો એક ઝાડ આંગણે, તો આવતું વરસ ન રિસાયું.
વાદળ રિસાયું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખથાય છે ઊલટુંઆગલો લેખ →ગમતું કામ