← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉનાળો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આવ્યો રે ઉનાળો, લઈ આંબાની ડાળે કેરી,
ધોમ ધખે બપોરે, તોય બાળકની મોજ અનેરી.

કૂવે પાણી ઊંડાં ઊતર્યાં, પનિહારી ઊંડી ઊતરે,
માથે બેડાં ત્રણ ત્રણ મૂકી સીમનો રસ્તો કાપે;
તડકો બાળે પાની, તોયે ગાતી જાય એ ગીત,
ઉનાળાને હરાવે છે એક સ્ત્રીનું ગાતું સ્મિત…
આવ્યો રે ઉનાળો…

નિશાળે તાળાં લટકે ને ગામ આખું મેદાન,
લીમડા નીચે ખાટલે દાદા, હાથમાં ભજનનું ગાન;
ઘંટડી વગાડતો આવે બરફના ગોળાવાળો,
ખિસ્સે ખાલી છોકરો ઊભો, જોતો રંગ રૂપાળો…
આવ્યો રે ઉનાળો…

પરાગ કહે: આ ઉનાળો છે ધરતીનું તપ મોટું,
તપી તપીને માગે છે એ વાદળનું એક ટપકું;
જે તપે છે, એ જ ભીંજાય, એ જ કુદરતની રીત,
તાપ પછી જ આવે છે રે વરસાદનું પહેલું ગીત…
આવ્યો રે ઉનાળો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆ કોણ રેઆગલો લેખ →મારામાં