← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉદ્ધવ, હવે સમજાયું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉદ્ધવ, હવે સમજાયું? ના સમજાય એવું જ્ઞાન,
શ્યામ વિના તો સૂનું લાગે ગીતાનું યે ગાન.

પોથી લઈને આવ્યા’તા તમે જોગનો ઉપદેશ દેવા,
ગોપીઓ બોલી: ‘અમે ક્યાં માગ્યા મોક્ષના મેવા?’
માખણ ચોરે એ મોહન, એ જ અમારું ધ્યાન…
ઉદ્ધવ, હવે…

જમનાને કાંઠે બેઠા, ને વાંસળી સાંભળી ત્યાં,
પોથીનાં પાનાં ઊડ્યાં, ને આંખો ભીંજાઈ જ્યાં;
પંડિત થઈને આવ્યા, પાછા જાઓ થઈ નાદાન…
ઉદ્ધવ, હવે…

પરાગ કહે: જે ભણવામાં જનમારો ગાળ્યો,
ગોકુળની એક રજકણમાં એ મર્મ ઉઘાડ્યો;
પ્રેમ પાસે પાણી ભરે છે સૌ શાસ્ત્ર ને પુરાણ…
ઉદ્ધવ, હવે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકરોળિયોઆગલો લેખ →વાટ અને તેલ